Wednesday, July 7, 2010

ફુલ

ક્યાંક વાંચેલું કે ફૂલ ધ્યાનમાં બેઠેલા કોઈ સંત જેવું લાગે છે ! પણ મને તો ફૂલ હંમેશા નાનકડા બાળક જેવું નાજુક, નિર્દોષ અને ભોળું લાગે છે. ધરતીમાતાની છાતીએ વળગેલા છોડ પર ઉગેલું ફૂલ જાણે ઉંચી ડોકે દુનિયાની અજાયબીઓ જોઈ રહ્યું હોય એવું લાગે છે !વહેતી હવામાં જયારે ફૂલ ડોલતું હોય ત્યારે કોઈ વડીલ વહાલથી નાના બાળકના ગાલ ખેંચતા હોય એવું લાગે છે

વરસાદમાં જોકે એની હરકતો કોઈ ટીનેજર છોકરી જેવી થઇ જાય છે ! ટપ ટપ પડતા ટીપાઓ ઝીલતી વખતે એની ડાળીઓ ક્યાંક લજ્જાના ભારથી તો નહિ નમી પડતી હોય ને ! એવે વખતે વરસાદ રહી ગયા પછી જયારે એની કોમળ પાંદડીઓ પરથી પાણીના ટીપાં હજુ ઓસર્યા ન હોય ત્યારે ફૂલને તોડ્યા વગર, એને અડક્યાં વગર એની નજીક જઈને જયારે એની ફોરમ મારા શ્વાસમાં ભરું છુ ત્યારે મને લાગે છે કે કદાચ પવિત્રતાનું બીજું નામ ફૂલ હશે ! એની પાંદડીઓને મારા ગાલે અડાડતા બીક લાગે છે, ક્યાંક મારી કૃત્રિમતાનો એને ચેપ લાગી જશે તો ? અનાયાસે જ ક્યાંક વાંચેલા વાક્યો યાદ આવી જાય છે મને ફૂલો ગમે છે, એટલે જ હું એને તોડતો નથી અને હું ફૂલોને અડ્યા વગર ભરેલા શ્વાસે ત્યાંથી નીકળી જાઉં છુ.

સાચું કહું તો મને બગીચો બહુ ગમતો નથી કારણ કે ત્યાના ફૂલછોડ માળીની શિસ્તને અનુસરતા હોય છે. હારબંધ કપાયેલા છોડ અને સર્કસમાં ખેલ કરતો સિંહ, બંને મને દયાજનક લાગે છે.બંનેનું સાચું ઘર તો જંગલ છે પણ આપણે એને શહેરી બનાવીને એમને વટલાવી દીધા છે .ઘણીવાર બગીચામાં કે ખેતરમાં ઉગેલા ઢગલાબંધ ફૂલોને જોઉ ત્યારે થાય કે આ બધા બાલુડાઓ સૂરજદાદાની ઈસ્કૂલમાં ભણવા આવ્યા છે !

ને બસ પછી તો કલ્પનાનું દફતર ભરાવીને લાગણીઓ પહોચી જાય કવિતાના ક્લાસમાં !

ને પછી સરકી પડે દફતરમાંથી કોઈ કવિતા.....

સૂરજદાદાની ઈસ્કૂલ -

રોજ ફૂલો નીતનવા ચેપ્ટર શીખે !

એક દી આકાશ તો કોક દી તડકો,

ક્યારેક પંખી-પતંગિયા તો

વળી વાદળ પણ ભણી લે .

કોઈવાર રાતે જો ઊંઘ ન આવે તો

ટમટમતા તારા પણ ગણી લે .

બીજે દી દાદો હોમવર્ક માંગે તો

ટપ્પ દઈ ઝાકળ પણ ધરી દે !

મેં આવું શીખવાડ્યુંતું ? એમ કહી,

દાદો આંખો બતાવે લાલઘુમ્મ

ને પળવારમાં ઝાકળ થઇ જાય ગુમ્મ !

કુણા કુણા ઘાસ પર વેરીને તડકો,

દાદા વરસાવે છે વહાલ,

કુણા પડીને પાછા કહેતાય જાય ,

તને ફરીથી શીખવી દઉં ચાલ !

ચાંદાની પાટી પર મોરપીંછુ લઇ

દાદા ચીતરવા બેસે આંબાડાળી,

વાદળ ગાળીને એતો કોયલડી દોરે

ને રંગ પૂરે કેરીમાં ટહુકા ઓગાળી !

અંતે ખડીયા માં રંગ ખૂટતા

કહી દે ભુલકાવને જાઓ છુટ્ટાં !

૫/૭/૧૦

જીન્દગી ...


ઘણા લોકો જીન્દગીને ઉંચી કુદની રમત સમજે છે !

પણ એ લોકોને ક્યાં ખબર છે કે જીન્દગી તો વિઘ્ન દોડની રમત છે!

એ કંઇ એક જમ્પમાં પૂરી થતી હશે ?

એક વિઘ્ન કુદી ગયાં તો બીજું તૈયાર જ હોય !

આપણે તો બસ આપનો જુસ્સો ટકાવી દોડતા રહેવાનું

અને

વિઘ્ન ટાણું આવે ત્યારે પુરા જોશથી જંપ મારી દેવાનો !

પણ...

લોકોને તો બાજુના ટ્રેક પર ડાફોળિયાં મારવામાં, અને

પોતાના કરતા બીજા ના વિઘ્નો ઓછા છે કે વધારે એન જ પંચાતમાં રસ હોય છે,

એનું શું?

હરિ હરિ.............


લોકો કહે છે કે હું ભગવાનમાં માનું છું પણ કોઈ એમ નથી કહેતું કે હું ભગવાનનું માનું છું.

એવી પ્રાર્થના બધા કરે છે કે- મને જીવનના કુરુક્ષેત્રમાં જીત અપાવો પ્રભુ. પણ ... કોઈ પોતાના જીવનરથની લગામ પ્રભુને સોંપવા તૈયાર જ નથી.(હરિ પર બહુ ભરોસો નહિ ને !) આપણે તો હરીને બેકસીટ પર જ બેસાડી દીધા છે !

હરિ હરિ............