Sunday, August 1, 2010

નેગેટીવ થીન્કીંગ


આમ તો હું પોઝીટીવ થીન્કીન્ગમાં માનું છુ ,પણ.................

પણ ઘણીવાર એવું લાગે છે કે કોઈ પોઝીટીવ થીન્કીન્ગને પોઝીટીવલી લેતું જ નથી. બસ સવાર-બપોર-સાંજ મરણીયા થઈને ઓલ ઇઝ વેલનું ગાણું ગાયા કરવાનું. એટલે પ્રોબ્લેમ સોલ્વ .

લ્યો કરો વાત ! પોઝીટીવ ગાણા ગાવાથી બધું વેલ થઇ જતું હોત તો એવા ગીતો ગાનારા આ દુનિયામાં સૌથી વધુ સુખી હોવા જોઈતા હતા ! ઉંધુ ઘાલીને લાઈબ્રેરીમાંથી જીવનને હકારાત્મકતા તરફ લઇ જતા પુસ્તકો ઉઠાવીને ઘરે લઇ આવનારા લોકોને કેમ કરી સમજાવવું કે જો વાંચી વાંચીને સુધરી જવાતું હોત તો શહેરની સીટી બસોની પાછળ લખેલા સ્લોગનોની મહેનત માથે ના પડી હોત

જેની જીભમાં અમી, એને દુનિયા નમી. એવું વાંચવા છતાંય આપણી જીભે કડવા શબ્દો કેમ આવી જાય છે ?

હશે હવે ! હોય એતો ચાલ્યા કરે .જે વંચાય એ વેચાય ......એ ન્યાયે આવા પુસ્તકો છપાતા રહેશે, અને લઘુતાગ્રંથીથી પીડાતા લોકો એમાં લખાયેલા અઘરા અઘરા ઉપાયો અજમાવી સુખી થવા હવાંતિયા માર્યા કરશે. પહેલા જે કામ ધર્મગુરુઓ અને સંતો કરતાં હતા, એ કામ હવે માઈન્ડપાવર ગુરુઓ કરે છે, વાક્ચાતુર્યથી ભરેલી વન લાઇનર્સનાં વાવાઝોડામાં સામાન્ય માણસની સમજ તો ક્યાંય ફંગોળાઈ ગઈ છે .

હકીકતે આ પોઝીટીવ થીન્કીંગ એ સમજવા જેવી નહિ ,અનુભવવા જેવી ચીજ છે , જેમ સ્કુલમાં આપણને જયારે કોઈ થીયરી આવડતી નહિ ત્યારે જખ મારીને ગોખી કાઢતા .પરીક્ષા પૂરતું યાદ રાખીને ભૂલીયે જતા, પણ જે પાઠ આપણા ગમતા શિક્ષકે રમતા રમતા ઊંડાણપૂર્વક શીખવાડેલું ,એ આજેય તાદૃશ્ય યાદ છે ! બસ એજ રીતે જીન્દગીનાં સુખ-દુઃખને એમની રીતે પસાર થવા દેવા જોઈએ .આપણી નક્કી કરેલી ફ્રેમમાં જિંદગીને જકડી રાખવાની મથામણમાં થાકી જવાશે .

સાહજિકતા એ હળવાશભરી જિંદગીની પહેલી શરત છે. એમાં નરી હકારાત્મક્તાના ડોઝ નથી કામ આવતા.

સફળ થવા માટે હકારાત્મકતાના નામે હા એ હા કરનારાઓ એ એક વાત સમજવા જેવી છે કે , જેમ ચેસની રમતમાં દરેક કુકરીની દરેક સંભવિત ચાલને સ્વીકારીને આગળ વધવાનું હોય છે , એમ જીવનમાં પણ દરેક નિર્ણયનું સારામાં સારું અને ખરાબમાં ખરાબ પરિણામ ધ્યાનમાં રાખીને જો કામ કરવામાં આવે તો ભલે કદાચ સફળ ના થવાય તોય આપણો અનુભવ તો સમૃદ્ધ બનશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી.

એવે વખતે સ્વીકારી લીધેલું સંભવિત ખરાબ પરિણામ એટલે જ નેગેટીવ થીન્કીંગ ...........

જે હંમેશા આપણને શેખચલ્લી બનતા અટકાવે છે .આપણી મર્યાદાઓનો સ્વીકાર અને ઈશ્વરની સર્વોપરિતાની ખાતરી એટલે નેગેટીવ થીન્કીંગ

ચાદર જેટલી લાંબી હોય એટલા જ પગ ફેલાવાય એવી ટુંટીયાછાપ માનસિકતાને હું જરાય સમર્થન નથી આપતી .દરેક વ્યક્તિને એનામાં રહેલી કોઈક આશા જીવાડતી હોય છે . ૭ બાય ૭ ની ઓરડીમાં રહેતા મજુરને પણ ૭ માળના બંગલાના સપના જોવાનો હક છે . શ્રદ્ધા , આશા , ચમત્કાર જેવા શબ્દો આપણી જીન્દગીમાં સંજીવની જેવું અદભૂત કામ કરે છે ! પણ જેમ ધ્યેયલક્ષી પુરુષાર્થ વ્યક્તિને પોઝીટીવ બનતા શીખવે છે ,એમ નુકશાન અને નિષ્ફળતાનો સરવાળો માંડીને કરેલું સાહસ માણસને નેગેટીવ બનતા શીખવે છે , પાણી પહેલા પાળ બાંધતા શીખવે છે , જે વ્યક્તિ નુકશાનથી બચવાના ઉપાયો વિચારીને આગળ વધે છે એ ભાગ્યે જ નિષ્ફળ જાય છે .સતત હકારાત્મક રીતે વિચાર્યા પછી મળતી નિષ્ફળતા જીરવવી અઘરી હોય છે,પરંતુ...પહેલેથી જ છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિને સ્વીકારીને જ આગળ વધીએ તો ?

જોરકા ઝટકા ધીરેસે લગેગા !

‘friendship day’ પહેલાં અને હવે !


કેમ છો મિત્રો , મજામાં ?

સ્નેહા અક્ષીતારકે મિત્રો વિષે કંઇક લખવાનું કહ્યું અને હું વિચારે ચડી ગઈ. સમય બદલાવાની સાથે મારી મિત્રતાની વ્યાખ્યા ગળાઈ, ચળાઈને વ્યક્ત થતી રહી છે .ઉમર વધતા વિચારોની પરિપક્વતા વધી પણ સંબંધોમાં પારદર્શકતા ઘટી ગઈ હોય એવું લાગે છે . મિત્રતાદિવસે અનુભવતી લાગણી પણ દર વર્ષે જુદી જુદી રહી છે.........

સ્કૂલમાં ભણતી ત્યારે ફ્રેન્ડશીપ ડેની નવી નવી શરૂઆત થયેલી, એ વખતે એમાં મિત્રતા કરતાં કુતુહલ વધુ હતું . હું મારા જ હાથ પર જાતે ખરીદેલો બેલ્ટ બાંધીને સંતોષ માનતી ! પછી કોલેજમાં જેમ જેમ મિત્રોની સંખ્યા વધતી ગઈ એમ એમ આ દિવસ ઉજવવાની આતુરતા પણ વધતી ગઈ ! અમારી કોલેજમાં વર્ષમાં બે વાર ફ્રેન્ડશીપ ડે ઉજવાતો , એક ઓગષ્ટના પહેલા અઠવાડિયે અને બીજો ડીસેમ્બરના છેલ્લા અઠવાડિયે ! હું ડેનાં અઠવાડિયા પહેલાં ઢગલાબંધ બેલ્ટની ખરીદી કરતી , હોંશે હોંશે બેલ્ટ બંધાવતી અને બાંધતી , અમુક છોકરાઓને તો બબ્બે બેલ્ટ બાંધતી ! (ના સમજાયું ? રાખડી જમણા હાથે અને ફ્રેન્ડશીપ બેલ્ટ ડાબા હાથે !) વરસાદમાં પલળીને કાંડાને કલરફુલ કરી દેતા જાતભાતના બેલ્ટની સંખ્યા ગણીને પોરસાવાની અને જેના હાથે વધુમાં વધુ બેલ્ટ હોય એવા મિત્રને બધાં સાથે લળી લળીને વાતો કરતાં જોઈને ઈર્ષા કરવાનીય એક મજા હતી ! પણ કૉલેજ પૂરી થતા જ આ દિવસ કોઈ અજાણ્યા મિત્ર જેવો લાગવા માંડ્યો . તારીખિયાના પાનાઓમાં ક્યાંક અટવાઈ ગયેલો ઓગષ્ટનો પહેલો રવિવાર ફક્ત જાહેર રજા બનીને ટીંગાઈ ગયો . જે મિત્રોને એક દિવસ પણ આપણું મોઢું જોયા વિના ચાલતું નહિ એ લોકો જીન્દગીમાં એવા વ્યસ્ત થઇ ગયા કે આ દિવસની જાણ પણ અખબારમાં આવેલા કૉલેજ કેમ્પસ નાં ફોટાઓ જોઈને થતી.... કામ પડે ત્યારે કલાકો સુધી વાતો કરનારા મિત્રોના ફ્રેન્ડશીપ-મેસેજની આપણે રાહ જોતા હોઈએ અને મોબાઈલ જાણે એ જ દિવસે બંધ પાળ્યો હોય એમ સાઈલન્ટ થઇ જતો, જોકે મિત્રતાની સાવ જ બાદબાકી થઇ ગઈ એવું નહોતું . એવાં ઘણાં મિત્રો મળ્યા કે જેમની સાથેનો મિત્રતાનો સંબંધ વધુને વધુ ગાઢ બનતો ગયો . એવે વખતે અમે જયારે મળતા એ દરેક દિવસ મિત્રતાદિવસ હતો . કોલેજમાં રોજ રૂબરૂ મળવાના દિવસો હવે રોજ ફોન અને મેસેજ કરવામાં વ્યસ્ત થઇ ગયા. એમાં પાછો ઉમેરો થયો ઓફિસમાં સાથે કામ કરતાં મિત્રોનો ,પહેલા કોલેજમાં જયારે મિત્રો ભેગા થતા ત્યારે વિચારતા કે કંઇક કરવું છે. હવે કંઇક કરવાનું વિચારીએ, તો જ ભેગા થવાય છે. હમણાં હમણાં મિત્રોની એક નવી કોમ્યુનીટી ખુલી ગઈ છે, સોશીયલ સાઈટ કોમ્યુનીટી. ઘણાં એવાય મિત્રો મળ્યા કે જેમને ક્યારેય જોયા નથી છતાંય તેઓ આપણી લાગણીને વહેવાની , કંઇક કહેવાની પ્રેરણા આપી જાય છે . જેમ કે સ્નેહા અક્ષિતારક, પૌલીન શાહ, તાહા મન્સૂરી....

એવે વખતે ઈન્ટરનેટ આશીર્વાદરૂપ લાગે છે . જાતભાતની કોમ્યુનીટીમાં ખાંખાખોળા કરતાં કોઈ જુનો મિત્ર મળે ત્યારે જાણે કીબોર્ડ પર ફરતી આપણી આંગળીઓથી ટાઇપ થયેલો સ્ક્રેપ એમની સંવેદનાઓ સાથે શેકહેન્ડ કરતો હોય એવું લાગે છે . છતાંય એક કબુલાત કરવી જરૂરી લાગે છે . કાંડે વધુમાં વધુ બેલ્ટ બંધાવતા મિત્રને જોઈને જે ઈર્ષા થતી , એ હવે ઓરકુટમાં ૫૦૦-૭૦૦નુ ફ્રેન્ડ લીસ્ટ ધરાવતા મિત્ર માટે થવા લાગી ! ધીમે ધીમે સમજાવા લાગ્યું કે આ તો બધી છેતરામણી રમતો છે .ફ્રેન્ડલીસ્ટમાં એડ કર્યા પછી એ મિત્ર સાથે વાત જ ના થઇ હોય એવું પણ ઘણી વાર બન્યું .અનુભવથી ઘૂંટાઈને એક સત્ય વધુ સ્પષ્ટ થયું કે, મિત્ર તો એક જ કાફી છે જો સાચો હોય તો . જેની સાથે તમે તમારી વાતો શેર કરી શકો , દુ:ખ હળવું કરી શકો ,ઝઘડો કરી શકો , રીસાઈ શકો, જો એ તમારાથી પહેલા રિસાય તો એને મનાવી શકો, ના માને તો ધમકાવી શકો !..... વગેરે વગેરે....!

આજના અવસરની ઉજવણી કરવા માટે વાત લંબાઈ જાય એ પહેલા એક વિધિ પતાવી દઈએ ! પહેલા મિત્રને દુરથી જોતાવેંત ભેટવા દોડતી, પણ હવે માઉસવગી થઈ ગયેલી મારી લાગણીએ ઇન્ટરનેટના દરિયામાં ભીંજાયેલી બ્લોગની હોડી જેવી જાદુની જપ્પી મોકલી છે !

બસ આમ જ હસતા રહેજો !

મિત્રતાદિવસ મુબારક !

વિતકનો નથી આપવો અહેવાલ જવાદે

આ ક્ષણને ઉજવ દોસ્ત,ગઈ કાલ જવા દે