કેમ છો મિત્રો , મજામાં ?
સ્નેહા અક્ષીતારકે મિત્રો વિષે કંઇક લખવાનું કહ્યું અને હું વિચારે ચડી ગઈ. સમય બદલાવાની સાથે મારી મિત્રતાની વ્યાખ્યા ગળાઈ, ચળાઈને વ્યક્ત થતી રહી છે .ઉમર વધતા વિચારોની પરિપક્વતા વધી પણ સંબંધોમાં પારદર્શકતા ઘટી ગઈ હોય એવું લાગે છે . મિત્રતાદિવસે અનુભવતી લાગણી પણ દર વર્ષે જુદી જુદી રહી છે.........
સ્કૂલમાં ભણતી ત્યારે ‘ફ્રેન્ડશીપ ડે’ની નવી નવી શરૂઆત થયેલી, એ વખતે એમાં મિત્રતા કરતાં કુતુહલ વધુ હતું . હું મારા જ હાથ પર જાતે ખરીદેલો બેલ્ટ બાંધીને સંતોષ માનતી ! પછી કોલેજમાં જેમ જેમ મિત્રોની સંખ્યા વધતી ગઈ એમ એમ આ દિવસ ઉજવવાની આતુરતા પણ વધતી ગઈ ! અમારી કોલેજમાં વર્ષમાં બે વાર ફ્રેન્ડશીપ ડે ઉજવાતો , એક ઓગષ્ટના પહેલા અઠવાડિયે અને બીજો ડીસેમ્બરના છેલ્લા અઠવાડિયે ! હું ‘ડે’નાં અઠવાડિયા પહેલાં ઢગલાબંધ બેલ્ટની ખરીદી કરતી , હોંશે હોંશે બેલ્ટ બંધાવતી અને બાંધતી , અમુક છોકરાઓને તો બબ્બે બેલ્ટ બાંધતી ! (ના સમજાયું ? રાખડી જમણા હાથે અને ફ્રેન્ડશીપ બેલ્ટ ડાબા હાથે !) વરસાદમાં પલળીને કાંડાને કલરફુલ કરી દેતા જાતભાતના બેલ્ટની સંખ્યા ગણીને પોરસાવાની અને જેના હાથે વધુમાં વધુ બેલ્ટ હોય એવા મિત્રને બધાં સાથે લળી લળીને વાતો કરતાં જોઈને ઈર્ષા કરવાનીય એક મજા હતી ! પણ કૉલેજ પૂરી થતા જ આ દિવસ કોઈ અજાણ્યા મિત્ર જેવો લાગવા માંડ્યો . તારીખિયાના પાનાઓમાં ક્યાંક અટવાઈ ગયેલો ઓગષ્ટનો પહેલો રવિવાર ફક્ત જાહેર રજા બનીને ટીંગાઈ ગયો . જે મિત્રોને એક દિવસ પણ આપણું મોઢું જોયા વિના ચાલતું નહિ એ લોકો જીન્દગીમાં એવા વ્યસ્ત થઇ ગયા કે આ દિવસની જાણ પણ અખબારમાં આવેલા ‘કૉલેજ કેમ્પસ’ નાં ફોટાઓ જોઈને થતી.... કામ પડે ત્યારે કલાકો સુધી વાતો કરનારા મિત્રોના ‘ફ્રેન્ડશીપ-મેસેજ’ની આપણે રાહ જોતા હોઈએ અને મોબાઈલ જાણે એ જ દિવસે બંધ પાળ્યો હોય એમ સાઈલન્ટ થઇ જતો, જોકે મિત્રતાની સાવ જ બાદબાકી થઇ ગઈ એવું નહોતું . એવાં ઘણાં મિત્રો મળ્યા કે જેમની સાથેનો મિત્રતાનો સંબંધ વધુને વધુ ગાઢ બનતો ગયો . એવે વખતે અમે જયારે મળતા એ દરેક દિવસ મિત્રતાદિવસ હતો . કોલેજમાં રોજ રૂબરૂ મળવાના દિવસો હવે રોજ ફોન અને મેસેજ કરવામાં વ્યસ્ત થઇ ગયા. એમાં પાછો ઉમેરો થયો ઓફિસમાં સાથે કામ કરતાં મિત્રોનો ,પહેલા કોલેજમાં જયારે મિત્રો ભેગા થતા ત્યારે વિચારતા કે ‘કંઇક કરવું છે’. હવે કંઇક કરવાનું વિચારીએ, તો જ ભેગા થવાય છે. હમણાં હમણાં મિત્રોની એક નવી કોમ્યુનીટી ખુલી ગઈ છે, ‘સોશીયલ સાઈટ કોમ્યુનીટી’. ઘણાં એવાય મિત્રો મળ્યા કે જેમને ક્યારેય જોયા નથી છતાંય તેઓ આપણી લાગણીને વહેવાની , કંઇક કહેવાની પ્રેરણા આપી જાય છે . જેમ કે સ્નેહા અક્ષિતારક, પૌલીન શાહ, તાહા મન્સૂરી....
એવે વખતે ઈન્ટરનેટ આશીર્વાદરૂપ લાગે છે . જાતભાતની કોમ્યુનીટીમાં ખાંખાખોળા કરતાં કોઈ જુનો મિત્ર મળે ત્યારે જાણે કીબોર્ડ પર ફરતી આપણી આંગળીઓથી ટાઇપ થયેલો સ્ક્રેપ એમની સંવેદનાઓ સાથે શેકહેન્ડ કરતો હોય એવું લાગે છે . છતાંય એક કબુલાત કરવી જરૂરી લાગે છે . કાંડે વધુમાં વધુ બેલ્ટ બંધાવતા મિત્રને જોઈને જે ઈર્ષા થતી , એ હવે ઓરકુટમાં ૫૦૦-૭૦૦નુ ફ્રેન્ડ લીસ્ટ ધરાવતા મિત્ર માટે થવા લાગી ! ધીમે ધીમે સમજાવા લાગ્યું કે આ તો બધી છેતરામણી રમતો છે .ફ્રેન્ડલીસ્ટમાં ‘એડ’ કર્યા પછી એ મિત્ર સાથે વાત જ ના થઇ હોય એવું પણ ઘણી વાર બન્યું .અનુભવથી ઘૂંટાઈને એક સત્ય વધુ સ્પષ્ટ થયું કે, મિત્ર તો એક જ કાફી છે જો ‘સાચો’ હોય તો . જેની સાથે તમે તમારી વાતો શેર કરી શકો , દુ:ખ હળવું કરી શકો ,ઝઘડો કરી શકો , રીસાઈ શકો, જો એ તમારાથી પહેલા રિસાય તો એને મનાવી શકો, ના માને તો ધમકાવી શકો !..... વગેરે વગેરે....!
આજના અવસરની ઉજવણી કરવા માટે વાત લંબાઈ જાય એ પહેલા એક વિધિ પતાવી દઈએ ! પહેલા મિત્રને દુરથી જોતાવેંત ભેટવા દોડતી, પણ હવે માઉસવગી થઈ ગયેલી મારી લાગણીએ ઇન્ટરનેટના દરિયામાં ભીંજાયેલી બ્લોગની હોડી જેવી ‘જાદુની જપ્પી’ મોકલી છે !
બસ આમ જ હસતા રહેજો !
મિત્રતાદિવસ મુબારક !
વિતકનો નથી આપવો અહેવાલ જવાદે
આ ક્ષણને ઉજવ દોસ્ત,ગઈ કાલ જવા દે
very nice Shailu.. i am impressed. mari nanki vahli mithudi ben moti thai gai... nice thoughts
ReplyDelete